શહેરામાં વિજ ચોરો પર તવાઈ: MGVCLની ટીમે લાખોની વિજ ચોરી પકડી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વિવિધ ગામોમાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વ્યાપક અને સઘન વિજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન વિજ ચોરી તથા અન્ય ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરતા કુલ 131 વિજ જોડાણોમાંથી અંદાજિત રૂ. 24.64 લાખની વિજ ચોરી ઝડપાઈ હતી. વિજ ચોરી કરનારાઓ સામે MGVCL દ્વારા કાયદેસરની દંડ વસુલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.શહેરા સબ-ડિવિઝન નં. 1 અને 2 દ્વારા આ કામગીરી યોજાઈ હતી. જેમાં પાનમ-2, મહેલાણ, ખોજલવાસા, બામરોલી, ઉમરપુર, નાથુજીના મુવાડા તેમજ ખોડિયાર ફીડર હેઠળ આવતા વિવિધ ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.MGVCLની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે મળીને કુલ 964 જેટલા રહેણાંક મકાનો તથા વ્યાવસાયિક દુકાનોના વિજ જોડાણોની વિગતવાર તપાસ કરી હતી.

તપાસ દરમિયાન 131 જેટલા વિજ જોડાણોમાં સીધી વિજ ચોરી, મીટરમાં છેડછાડ, ગેરકાયદે લોડ ઉપયોગ સહિતની ગેરરીતિઓ સામે આવી હતી. આ તમામ કેસોમાં અંદાજિત રૂ. 24.64 લાખ જેટલી વિજ ચોરી થતી હોવાનું જાણવા મળ્યું હતું.વિજ ચોરી કરનાર ઇસમો પાસેથી MGVCL દ્વારા નિયમ અનુસાર દંડ વસુલવાની તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી ગેરરીતિઓથી વિજ વ્યવસ્થાને નુકસાન પહોંચે છે અને ઇમાનદાર ગ્રાહકો પર આર્થિક ભાર વધે છે, તેથી વિજ ચોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.MGVCL દ્વારા કરવામાં આવેલી આ અચાનક અને કડક કાર્યવાહીથી વિજ ચોરી કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. કંપનીના અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે આવનારા સમયમાં પણ આવા ચેકિંગ અભિયાન નિયમિત રીતે ચાલુ રહેશે અને વિજ ચોરી કરનારાઓ સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *