વડોદરા શહેરમાં ભૂવો પડવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે અટલાદરા ચેકપોસ્ટ નજીક વધુ એક ભુવો પડતા હડકંપ મચી ગયો હતો. અચાનક પડેલા આ ભૂવામાં એક કારનું ટાયર ફસાઈ જતા કાર ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને સામાન્ય નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ભુવો પડવાના કારણે રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને જ્યાં સુધી આ ભૂવાનું સમારકામ નહીં થાય ત્યાં સુધી વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને વ્યસ્ત માર્ગ હોવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ગંભીર મુદ્દે સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાત્કાલિક ધોરણે ભૂવાનું સમારકામ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ મુદ્દે સામાજિક આગેવાન અને કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર પર કડક પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “વડોદરા શહેરની હાલત એવી થઈ ગઈ છે કે હવે તેને ‘વડોદરા’ કહેવાને બદલે ‘ખાડોદરા’ કહેવું વધુ યોગ્ય રહેશે.” તેમણે વધુમાં જણાવ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ માત્ર દેખાવ પૂરતું રહી ગયું છે. “એક જ ખાડો દસ વાર ખોદવામાં આવે છે અને પછી તેને વ્યવસ્થિત રીતે પૂરવાને બદલે માત્ર માટી નાખીને ચાલતી પકડાય છે. આ સમગ્ર પ્રક્રિયા ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે,” એમ તેમણે આક્ષેપ કર્યો હતો.શહેરમાં સતત પડી રહેલા ભૂવાઓથી નાગરિકોમાં રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે તંત્રની બેદરકારી અને અધૂરી કામગીરીના કારણે વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ઘટનાથી કોઈ પાઠ શીખે છે કે પછી ભૂવો પડ્યા બાદ જાગવાની જૂની પરંપરા યથાવત રહેશે.
અટલાદરા ચેકપોસ્ટ પાસે ફરી ભુવો પડ્યો: કારનું ટાયર ફસાયું, ‘વડોદરા નહીં હવે ખાડોદરા’ – રાકેશ ઠાકોરનો કોર્પોરેશન પર કડક પ્રહાર