નસવાડી–વિયાવાંટ રોડ પર જીવલેણ ભુવો, તંત્ર નિષ્ફળ: ગ્રામજનોએ જાતે પુર્યો ખાડો

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના મેડિયા અને વિયાવાંટ ગામ વચ્ચે આવેલા મુખ્ય માર્ગ પર એક વિશાળ અને અત્યંત જોખમી ભુવો પડતા વિસ્તારમાં ભારે ચિંતા ફેલાઈ હતી. આ ભુવો એટલો ઊંડો હતો કે લગભગ એક માણસ સંપૂર્ણપણે સમાઈ જાય એટલો, છતાં લાંબા સમય સુધી સંબંધિત તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હોતા. આ માર્ગનું મહત્વ એટલા માટે વિશેષ છે કે સ્થાનિક લોકોને નસવાડી, બોડેલી કે ડભોઇ જવું હોય અથવા વડોદરા અને રાજપીપળા જેવા મોટા શહેરોમાં અવરજવર કરવી હોય, તો આ જ રસ્તો એકમાત્ર મુખ્ય માર્ગ છે. આ વિસ્તારના અનેક ગામોના લોકો રોજિંદા ધોરણે આ રસ્તા પરથી પસાર થાય છે, જેમાં વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ અને કામદારોનો સમાવેશ થાય છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ ખતરનાક ભુવાના કારણે અગાઉ 2થી 3 અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે રાત્રિના સમયે આ ભુવો વધુ જોખમી બની જતો હતો, જે કોઈ મોટી જાનહાનીને આમંત્રણ આપતો હતો. તંત્ર દ્વારા ખાડા અને ભુવા ન પુરાતા અંતે ગ્રામજનોએ જાતે જ પગલું ભરવું પડ્યું. રાહદરીયો સુરક્ષા અને માનવજીવન બચાવવાની ચિંતા સાથે ગામના લોકોએ રસ્તા પર પડેલા ખાડા અને ભુવાને પુર્યો છે લોકો દ્વારા કરાયેલું આ કાર્ય તંત્રની નિષ્ફળતાનું જીવતુંજાગતું ઉદાહરણ બની રહ્યું છે.સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો ગ્રામજનોએ જાતે આગળ આવીને ખાડો ન પુર્યો હોત, તો કોઈ મોટી દુર્ઘટનાની જવાબદારી કોણ લેત? ગ્રામજનોએ માંગ ઉઠાવી છે કે આ માર્ગનું તાત્કાલિક કાયમી ધોરણે સમારકામ કરવામાં આવે, તેમજ આવી બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઉભો કરે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની સલામતી માટે તંત્ર કેટલું જવાબદાર છે? અને શુ લોકોના જીવની કિંમત તંત્ર માટે એટલી ઓછી છે કે કાર્યવાહી માટે અકસ્માતની રાહ જોવામાં આવે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *