બોડેલી નગર પાલિકા તેમજ શાળાઓમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભરી ઉજવણી

બોડેલી નગર સહિત સમગ્ર વિસ્તારમાં 77 માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમની સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે સરકારી – અર્ધસરકારી કચેરીઓ શૈક્ષણિક સંસ્થાઓ સહિત સહકારી સંસ્થાઓમાં તિરંગો લહેરવી સલામી આપવામાં આવી હતી બોડેલી નગર પાલિકાના કમ્પાઉન્ડમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે નગર પાલિકાના ચીફ ઓફિસર ભાવિકકુમાર બરજોડે ત્રિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તે ઉપરાંત બોડેલીની ખત્રી વિદ્યાલય અને એમડીઆઈ શાળામાં દિવ્યાંગ મન્સૂરી આફરીનના કરકમળે ત્રિરંગો લહેરાવી વિશેષ સન્માન સાથે સલામી આપવામાં આવી હતી, જે ક્ષણ ઉપસ્થિત સૌ માટે પ્રેરણારૂપ બની હતી.બોડેલીની શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ, બોડેલી કન્યાશાળા પીએમશ્રી ગુજરાત, કુમારશાળા, નવજીવન શાળા, સફાયર પબ્લિક સ્કૂલ તેમજ જોયસ પ્રી-સ્કૂલમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ, આનંદ અને દેશભક્તિના ભાવ સાથે કરવામાં આવી હતી. દરેક શાળામાં કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી.

ખાસ કરીને પ્રી-સ્કૂલના નાનાં ભૂલકાઓએ દેશભક્તિ ગીતો, મનમોહક નૃત્ય પ્રદર્શન અને ટૂંકા ભાષણો દ્વારા સૌના દિલ જીતી લીધા હતા. બાળકોને સ્વાતંત્ર્ય સેનાનીઓના વેશમાં જોઈને ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો ખૂબ આનંદિત થઈ ગયા હતા. આ કાર્યક્રમો દ્વારા એકતા, સાહસ, શૌર્ય અને દેશપ્રેમનો પ્રબળ સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમ અંતે વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર નાનાં બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ સમગ્ર બોડેલી તાલુકામાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવણી કરી રાષ્ટ્રીય ગૌરવની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

સલમાન મેમણ, એડિટર ઈન ચીફ

(જાણશે ગુજરાત સાપ્તાહિક અખબાર & ડિજિટલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *