ભારતીય બંધારણના શિલ્પી અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમતાવાદી આદર્શો અને ઉમદા મૂલ્યોને ચરિતાર્થ કરવાના ઉમદા હેતુ સાથે છોટાઉદેપુર જિલ્લામાં એક નવીન સુવર્ણ કલગી ઉમેરાઈ છે. ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનિષાબેન વકીલના વરદ હસ્તે શાસ્ત્રીનગર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ રોડ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ) હસ્તક નિર્મિત કુલ રૂ. ૨.૯૯ કરોડના “ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન”નું વિધિવત લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આ નવનિર્મિત ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વહીવટી ઓફિસ, ઇલેક્ટ્રિક રૂમ, અને જ્ઞાનના ઉપાસકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પ્રથમ માળે વિશાળ હોલ, ગ્રીન રૂમ અને સ્ટેજ જેવી સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે.આ અવસરે પ્રભારીમંત્રી ડૉ મનીષાબેન વકીલ જણાવ્યું હતું કે, આ ભવન માત્ર ઈંટો અને પથ્થરનું માળખું નથી, પરંતુ સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ પ્રતીક છે. અનુસૂચિત જાતિના ઉત્થાન માટે અને તેમના સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આ ભવન આશીર્વાદરૂપ સાબિત થશે. વિશેષમાં, આ ભવનનો લાભ અનુસૂચિત જાતિ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ લઈ શકશે, જે સામાજિક એકતાને વધુ સુદ્રઢ બનાવશે.અદ્યતન લાઇબ્રેરીનો ઉપયોગ કરી સમાજના યુવાનો પ્રગતિની નવી કેડી કંડારશે. આમ “ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન”શૈક્ષણિક અને સામાજિક ચેતનાનું નવું કેન્દ્ર બનશે.આ લોકાર્પણ સમારોહમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ આધિકારી સચિનકુમાર, મદદનીશ કલેકટર મુસ્કાન ડાગર, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, નગરપાલિકા પ્રમુખ મંજૂલાબેન કોલી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે રૂ. ૨.૯૯ કરોડના ખર્ચ તૈયાર થયેલ ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન’નું ભવ્ય લોકાર્પણ