નવજીવન હાઈસ્કૂલ બોડેલીના શિક્ષિકા દ્વારા નવતર પ્રયોગ: વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે સ્વાસ્થ્ય સંરક્ષણ

બોડેલી: વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને દરેક બાળકને શિક્ષણની સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તેવા ઉમદા હેતુથી, નવજીવન હાઈસ્કૂલ, આલીપુરા, બોડેલીના શિક્ષિકા તેજલબેન પંચાલ દ્વારા એક પ્રેરણાદાયી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.શિક્ષિકા તેજલબેન પંચાલ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સાથે આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે શાળાના દરેક બાળકનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ કાઢવાનું સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ યોજના થકી વિદ્યાર્થીઓને મફત અને ગુણવત્તાયુક્ત તબીબી સારવારની સુવિધા પ્રાપ્ત થશે, જે સ્વાસ્થ્યનું વરદાન પુરવાર થશે.આ મહત્વપૂર્ણ યોજનાના ભાગરૂપે શાળામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અને છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ નિરીક્ષક કૃષ્ણાજી પપાંચાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેઓના હસ્તે શાળાના ૧૦૦ (સો) જેટલા વિદ્યાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય તેમજ નવજીવન હાઈસ્કૂલના આચાર્ય દ્વારા શિક્ષિકા તેજલબેન પંચાલની આ ઉત્કૃષ્ટ કામગીરીને હૃદયપૂર્વક બિરદાવવામાં આવી હતી. તેજલબેન પંચાલની આ સમગ્ર કામગીરી માટે તેમને શાળાના આચાર્ય એકનાથ જાધવ અને સમગ્ર સ્ટાફ તરફથી ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો છે. આ પહેલ અન્ય શાળાઓ માટે પણ એક માર્ગદર્શક ઉદાહરણ પૂરું પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *