છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવતા વાલીઓમાં રોષ, શિક્ષણ વિભાગ સામે સવાલ

સંખેડા : સરકાર એક તરફ “સૌ ભણે સૌ આગળ વધે” જેવા સુત્રો સાથે શિક્ષણ પ્રત્યે ગંભીરતાના દાવા કરી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લામાં અગાઉ પણ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવાના વીડિયો સામે આવ્યા છે, એવામાં હવે વધુ એક વીડિયો સામે આવતા શિક્ષણ વ્યવસ્થાની હકીકત પર સવાલો ઊભા થયા છે.છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની મોરડ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા કમ્પાઉન્ડમાં કચરો સાફ કરતા જોવા મળ્યા છે. શિક્ષણ મેળવવા માટે શાળાએ આવતાં બાળકોને ચોપડી-પેન્સિલના બદલે પહેલા પાવડો હાથમાં લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોઈ તેમ લાગી રહ્યું છે

સવારથી સાફસુથરા કપડાં પહેરીને શાળાએ આવતાં બાળકો સફાઈ કાર્ય દરમિયાન દળવાળા થઈ જાય છે.આ શાળાના પરિસરમાં “સૌ ભણે સૌ આગળ વધે”ના ભીંત ચિત્ર છે, પરંતુ વાસ્તવિકતા એના બિલકુલ વિરુદ્ધ જોવા મળી રહી છે. બાળકો પાસેથી ભણતર બદલે શાળાની સફાઈ કરાવાતી હોવાના દ્રશ્યો સામે આવતા વાલીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.lજાગૃત નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું આ રીતે ગુજરાતમાં શિક્ષણ મળશે? શું બાળકોનું મુખ્ય કામ ભણવું નથી? આ મામલે શિક્ષણ વિભાગ અને જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.હાલ તો વીડિયો વાયરલ થતા જ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે જોવું રહ્યું કે તંત્ર આ બાબતે શું પગલાં લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *