
બોડેલી : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બોડેલીથી ચલામલી ગામને જોડતા મુખ્ય માર્ગ પર મુઢાઈ ગામ નજીક અચાનક ભુવો પડતા વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને ચોમાસુ પણ નથી અને વરસાદ વિના શિયાળાની ઋતુમાં જ ભુવો પડતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. માર્ગના મધ્ય ભાગમાં ભુવો પડતા વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે અડચણો આવી રહી છે. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિક લોકોએ તરત જ રસ્તા પર ઝાડની ડાળીઓ અને નિશાન મૂકીને આવતાં-જતાં વાહનચાલકોને ચેતવણી આપી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર રોજ મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો પસાર થાય છે. જો સમયસર તંત્ર દ્વારા યોગ્ય પગલા નહીં લેવાય તો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા છે. લોકોએ તંત્રને તાત્કાલિક સ્થળ પર પહોંચી ભુવો પુરાવી માર્ગ મરામત કરવાની માંગ કરી છે.હાલ તો સ્થાનિકોની સાવચેતીના કારણે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ વહેલી તકે સમારકામ ન થાય તો સ્થિતિ વધુ વણસી શકે છે.