ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે વડોદરા શહેરમાં પતંગ ઉત્સવની તૈયારીઓ જોરશોરથી થઇ રહી છે વડોદરા શહેરના વિવિધ પતંગ બજારોમાં પતંગપ્રેમીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જાણે આખું વડોદરા શહેર પતંગ લેવા માટે કીડીયારું બની ગયું હોય તેવું દૃશ્ય સર્જાયું છે.વડોદરાના રાવપુરા, ન્યાય મંદિર, માંડવી, સહિતના વિસ્તારોમાં આવેલા પતંગ બજારોમાં સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. બાળકો, યુવાનો તેમજ પરિવાર સાથે આવેલા લોકો રંગબેરંગી પતંગો, ફિરકી અને દોરાની ખરીદી કરતા જોવા મળે છે.આ વર્ષે પતંગ, દોરા અને ફિરકીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં પતંગપ્રેમીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. વેપારીઓના જણાવ્યા અનુસાર ભાવમાં ગત વર્ષ કરતા વધારો થયો છે. છતાં પણ ઉત્તરાયણના પાવન પર્વે લોકો મન ભરીને ખરીદી કરી રહ્યા છે.બજારમાં પરંપરાગત પતંગો ઉપરાંત નવી ડિઝાઇન, કાર્ટૂન પ્રિન્ટ, સુપર હીરો પતંગો તેમજ મોટા કદના પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

બાળકોમાં ખાસ કરીને ડિઝાઇનર અને કાર્ટૂન પતંગોની ભારે માંગ જોવા મળી રહી હતી જ્યારે યુવાનોમાં તીખા દોરા અને મજબૂત ફિરકીની માંગ વધુ છે. વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે છેલ્લા બે ત્રણ દિવસમાં ઘરાકી સારી હતી તો બીજી તરફ, મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ભીડને ધ્યાનમાં રાખી વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલા લેવામાં હતા કુલ મળીને કહીએ તો, ભાવવધારા છતાં વડોદરામાં ઉત્તરાયણનો ઉત્સાહ ચરમસીમાએ છે અને પતંગ બજારોમાં જોવા મળતી ભીડ એ વાતનો પુરાવો આપે છે કે પતંગ ઉત્સવનું આકર્ષણ આજે પણ અખૂટ છે.