પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમમાં અને સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેના વિચારોનો સમાવેશ કરવા માંગ,,

૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનિષાબેન વકીલના વરદ હસ્તે શાસ્ત્રીનગર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ રોડ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ) દ્વારા નિર્મિત કુલ રૂ. ૨.૯૯ કરોડના ખર્ચે બનેલા “ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન”નું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગના અનુસંધાને બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ તેમજ સિનિયર વકીલોએ મંત્રી ડૉ. મનિષાબેન વકીલને લેખિત પત્ર પાઠવી મહત્વપૂર્ણ માંગ રજૂ કરી હતી. પત્રમાં પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમ તેમજ સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિબા ફૂલે અને ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાન સમાજસુધારકોના વિચારો, જીવનકથા અને સંઘર્ષને સમાવેશ કરવાની માંગ કરવામાં આવી હતી.વકીલોએ જણાવ્યું હતું કે, બાળકોમાં સમાનતા, ન્યાય, બંધુત્વ અને માનવ અધિકારોની સમજ વિકસે તે માટે નાનપણથી જ આવા મહાન વિચારોનો પરિચય અતિ આવશ્યક છે. આ માંગ અંગે મંત્રી સાથે હાજર રહેલા સાંસદ જશુભાઈ તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ને પણ પત્ર સોંપવામાં આવ્યો હતો.આ મુદ્દે વધુ વ્યાપક સ્તરે અવાજ ઉઠાવવા માટે વકીલ વર્ગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને પણ લેખિત પત્ર પાઠવવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમાં સામાજિક સમાનતાના મૂલ્યોને મજબૂત બનાવવા માટે આ અભિયાન રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરશે તેવું વકીલોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *