બનાસકાંઠા : અમીરગઢના ઇકબાલગઢ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, છ લોકોના કરુણ મોત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં છ લોકોના ઘટનાસ્થળે જ દુઃખદ મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનનો એક પરિવાર સારવાર અર્થે પાલનપુર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ઇકબાલગઢ પાસે રોન્ગ સાઈડ પરથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે કારને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને કારમાં સવાર તમામ છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. અકસ્માતની જાણ થતા જ અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ સ્થાનિક રહેવાસીઓએ માનવતા દાખવી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી હતી.અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો. પોલીસે ટ્રાફિક નિયંત્રિત કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *