બોડેલીના મુખ્ય બજારમાં છ કેબીન બુલડોઝર વડે તોડી પડાયા

છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી નગરના મુખ્ય બજારમાં નગરપાલિકાનું ‘દાદા’નુ બુલડોઝર ગર્જના સાથે પ્રવેશ્યું હતું બોડેલી નગરપાલિકા દ્વારા લગભગ ૭૦ વર્ષથી વધુ જૂના આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. લાંબા સમયથી બજારમાં ઉભેલા કેબીનો અને દુકાનો તોડી દબાણ હટાવવામાં આવ્યા હતા, જેને લઈ નગરમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળ્યો હતો.

બોડેલી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી માટે સવારથી જ બજાર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નગરપાલિકા ચીફ ઓફિસર સાથે ASP સાથે ત્રણ PI સહિત મોટો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. બોડેલી નગરના ગિરિરાજ મેડિકલ ત્રણ રસ્તાથી ગરબી ચોક તરફના મુખ્ય માર્ગ પર છેલ્લા ૭૦ વર્ષથી વધુ સમયથી આવેલા ૬ કેબીનો બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા હતા.

સુરક્ષા કારણોસર એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડ ની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી.આ કાર્યવાહીમાં ખાસ કરીને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી વિસ્થાપિત થઈ આવેલા સિંધી સમાજના નિરાશ્રિતોને સરકારે ફાળવી આપેલા કેબીનો પણ તોડી પાડવામાં આવ્યા હોવાના આરોપો ઉઠ્યા હતા અને પોતાને જીવન નિર્વાહ માટે અન્ય કોઈ વ્યવસ્થા ન હોય હાલ કેબીનું દૂર નહીં કરવા કેબીન ધારકો દ્વારા દબાણો દૂર કરવા આવેલ અધિકારીઓ સમક્ષ આજીજી કરતાં જોવા મળ્યા હતા. કેબીન ધારકોનો આરોપ છે કે દુકાનો હટાવવાની સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની સરકારશ્રીની લેખિત સુચના હોવા છતાં અધિકારીઓએ કોઈ વાત સાંભળ્યા વગર સીધી કાર્યવાહી કરી દીધી. જેને કારણે અસરગ્રસ્તોમા ભારે રોષ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *