આ રીતે ભણશે ગુજરાત ? બોડેલીના ઓરવાડા ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો દ્રશ્ય: બાળકોના હાથમાં ચોપડી નહીં, ઝાડું!

બોડેલી તાલુકાના ઓરવાડા ગામની પ્રાથમિક શાળામાંથી એક ચોંકાવનારો દ્રશ્ય સામે આવ્યું છે. જ્યાં બાળકોના હાથમાં હોવી જોઈએ ચોપડી અને કલમ, ત્યાં તેમને ઝાડું પકડાવી મજૂરી કરાવવામાં આવી રહી છે. શાળાના કમ્પાઉન્ડમાં સફાઈ કરાવવી, નાના ઝાડ કાપાવવું, કચરો ઉઠાવી દૂર ફેંકાવવું જેવા કામો નાનાં ભૂલકાં બાળકો પાસે કરાવવામાં આવી રહ્યા છે.પ્રશ્ન એ છે કે – શું આ રીતે બાળકો પોતાનું ભવિષ્ય ઘડી શકશે?ઓરવાડા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ઝાડ કાપવાની કામગીરી ચાલી રહી હતી, પરંતુ આ કામ માટે કોઈ મજૂર કે સફાઈકર્મી નહીં, પરંતુ શાળાના નાનાં બાળકોને જ લગાડવામાં આવ્યા હતા. બાળકોના હાથમાં ચોપડીના બદલે ઝાડું અને શિક્ષણના બદલે સફાઈ કામ જોવા મળ્યું. શિક્ષકોની સામે ઊભા રહીને બાળકો પાસેથી આ કામ કરાવવામાં આવી રહ્યું હતું, જાણે કે શાળા નહીં પરંતુ કોઈ મજૂરીનું સ્થળ હોય એવું દ્રશ્ય સર્જાયું હતું.અહીં જ વાત પૂર્ણ થતી નથી. શાળાના કમ્પાઉન્ડમાં પડેલો કચરો બાળકો પાસે ડોલમાં ભરાવીને દૂર સુધી લઈ જઈ ફેંકવામાં આવ્યો હતો. શાળામાં આવેલી પાણીની પરબની સફાઈ પણ શિક્ષકો દ્વારા બાળકો પાસેથી કરાવવામાં આવી હતી.શિક્ષકોએ બાળકોને જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી આવતી હોવાથી શાળામાં સફાઈ કરવી જરૂરી છે, જેથી શિક્ષકોના આદેશનું પાલન કરતા બાળકો કામે લાગી ગયા હતા.આ બાબતની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને થતાં તેમણે જણાવ્યું હતું કે બાળકો પાસેથી સફાઈ કરાવવાની માહિતી તાલુકા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરાવી લેવામાં આવશે. જો બાળકો પાસેથી કામ કરાવવામાં આવ્યું હોવાનું સાબિત થશે, તો જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે –શું શિક્ષણ આપનાર શિક્ષકો જ બાળકોને મજૂરી તરફ ધકેલી રહ્યા છે?શું આ રીતે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે?શું આ રીતે ભણશે ગુજરાત?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *