બોડેલીમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, મંત્રી ડૉ. મનિષાબેન વકીલે ફરકાવ્યો ત્રિરંગો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાષ્ટ્રભક્તિના મંગલમય વાતાવરણમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવશાળી અવસરે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનિષાબેન વકીલ દ્વારા ગરિમાપૂર્ણ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. મંત્રીએ શિસ્તબદ્ધ માર્ચ પાસનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત નાગરિકોનું હાર્દિક અભિવાદન ઝીલ્યું હતું.આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે પ્રેરક ઉદબોધન આપતા મંત્રી ડૉ. મનિષાબેન વકીલે જણાવ્યું હતું કે, “આજનું ભારત આઝાદીના અમૃતકાળમાં પ્રવેશીને રાષ્ટ્ર નિર્માણની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. દેશની સ્વતંત્રતા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદો અને પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ તથા બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોને હું શત શત નમન કરું છું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, નાગરિકોનું કર્તવ્ય અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જ દેશને વિશ્વગુરુ બનાવવા તરફ દોરી જશે.બોડેલી નગરપાલિકાનાં વિકાસની ગતિને વેગ આપતા મંત્રીશ્રીએ બોડેલી નગરપાલિકાનાં વિકાસાર્થે રૂા.૨૫ લાખનો ચેક પ્રાંતઅધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો.

આ સાથે મહાનુભાવોના વરદહસ્તે વહીવટી તંત્રના જુદા-જુદા વિભાગોમાં નિષ્ઠાપૂર્વક શ્રેષ્ઠ સેવાઓ આપનારા કર્મયોગીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી દેશભક્તિ સભર સાંસ્કૃતિક કૃતિઓએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન ‘ટીમલી’ નૃત્યની રમઝટે વાતાવરણમાં નવો ઉત્સાહ ભર્યો હતો. વિવિધ વિભાગની યોજનાઓની ઝાખી કરાવતા ટેબ્લોએ જનતાનું આકર્ષણ બન્યા હતા પર્યાવરણના જતનના સંકલ્પ સાથે મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળ પર વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પ્રેમના સંદેશને પ્રસારિત કર્યો હતો.આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન, સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય સર્વ રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, વન સંરક્ષકશ્રી રૂપેશ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *