છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એકના પરિસરમાં આવેલા ઘટાદાર લીમડાના વૃક્ષ પર પતંગની દોરીમાં ફસાયેલા બગલાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બનાવ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વન વિભાગ અને ફાયર ટીમની સતર્કતાથી બગલાનો જીવ બચી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, શાળાના પ્રાંગણમાં આવેલા લીમડાના ઊંચા વૃક્ષ પર બગલો પતંગની દોરીમાં ફસાઈ ગયો હતો. બગલો દોરીમાં ફસાતા સતત ચીસો પાડી રહ્યો હતો. બગલાનો અવાજ સાંભળતા શાળામાં ભણતા બાળકોએ આ બાબતની તાત્કાલિક જાણ શાળાના શિક્ષકને કરી હતી.બાળકોની જાણ બાદ શિક્ષકોએ તુરંત વન વિભાગ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતાં જ વન વિભાગ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વૃક્ષ ઊંચું અને ઘટાદાર હોવાના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી હતી, તેમ છતાં કર્મચારીઓએ સતર્કતા અને મહેનતપૂર્વક કામગીરી હાથ ધરી હતી.લગભગ બે કલાકની કઠિન જહમત બાદ બગલાને પતંગની દોરીમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ બગલાને કોઈ ગંભીર ઈજા ન થાય તે માટે વન વિભાગના કર્મચારીઓ દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવ્યો હતો.આ ઘટનાએ ફરી એકવાર પતંગની દોરીથી પક્ષીઓ અને પ્રાણીઓને થતી નુકસાનની સમસ્યા સામે લાવી છે. શાળાના શિક્ષકો તથા સ્થાનિક લોકોએ આવા બનાવો ન બને તે માટે પતંગોત્સવ દરમિયાન ખાસ કાળજી રાખવાની અપીલ કરી છે.
પતંગની દોરીનો ફરી ખતરનાક કહેર: લીમડાના વૃક્ષે ફસાયેલા બગલાનું બે કલાકે રેસ્ક્યુ