ગુજરાતમાં વાઘના જીવ પર જોખમ: વન્યજીવ કોરિડોરમાં રાત્રે બેફામ રેતીના ડમ્પરો

ગુજરાતમાં આવેલા વાઘના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું છે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં સ્થાયી થયેલા વાઘને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. કેવડી અને રતનમહાલ અભયારણ્ય વચ્ચે આવેલા મુખ્ય વન્યજીવ કોરિડોર છે ત્યા રાત્રિના સમયે બેફામ દોડતા રેતી ભરેલા ડમ્પરો વાઘ સહિત અન્ય વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ વિસ્તારમાં રેતી ઉપાડ માટે કોઈપણ પ્રકારની લીઝ મંજૂર નથી, છતાં પણ મોટી સંખ્યામાં ડમ્પરોની અવરજવર સતત જોવા મળી રહી છે. આ સ્થિતિ ગેરકાયદેસર રેતી ચોરી તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.રાત્રિના અંધકારમાં ડમ્પરોની તેજ હેડલાઇટ્સ અને અતિ ઝડપી ડ્રાઇવિંગને કારણે વાઘ અથવા અન્ય વન્ય પ્રાણીઓ અચાનક રસ્તા પર આવી જાય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. જે વન્યજીવ સંરક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે.આ ગંભીર મુદ્દે નિવૃત્ત વન અધિકારીના પુત્ર અને વકીલ જાવેદ અલી બલોચ દ્વારા કલેક્ટર તથા સંબંધિત DFO ડીએફઓ (વન વિભાગ અધિકારી)ને લેખિત અરજી કરવામાં આવી છે. અરજીમાં રાત્રિ દરમિયાન સઘન પેટ્રોલિંગ વધારવાની તથા વન્યજીવ કોરિડોર વિસ્તારમાં ડમ્પરોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે.વન્યજીવ સંરક્ષણ અને વાઘના જીવનની સલામતી માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં પણ જોરદાર માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *