પાવી જેતપુરમાં કરૂણ દુર્ઘટના : લીઝના ઊંડા ખાડામાં ડૂબી જતા 13 વર્ષની બાળકીનું મોત

પાવીજેતપુર : છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામની લીઝ વિસ્તારમાં એક હૃદયવિદારી દુર્ઘટના સર્જાઈ છે. ગંભીરપુરા ગામની 13 વર્ષની એક બાળકી રમતી રમતી સુખી નદી પાસે આવેલી લીઝના ઊંડા ખાડામાં પડી જતા તેનું ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.મળતી માહિતી અનુસાર, ગંભીરપુરા ગામની રહેવાસી કોમલબેન સંજયભાઈ રાઠવા (ઉંમર 13 વર્ષ) રોજની જેમ અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન તે સુખી નદી કાંઠે આવેલી લીઝ વિસ્તારમાં પહોંચી ગઈ હતી, જ્યાં લીઝ કામગીરી દરમ્યાન ખોદાયેલા ઊંડા ખાડામાં પાણી ભરાયેલું હતું. અજાણતા બાળકી તેમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.દુર્ઘટનાની જાણ થતા પરિવારજનો તથા ગ્રામજણો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

બાળકીના અચાનક અને કરૂણ મોતને કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બીજી તરફ, સમગ્ર ગામમાં ભારે શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ આ ઘટનાનો જવાબદાર લીઝ માફીયાઓને ઠેરવીને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે લીઝ ધારકો દ્વારા નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે અત્યંત ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે, જે ખુલ્લા અને અસુરક્ષિત હાલતમાં મૂકવામાં આવ્યા છે. આવા ખાડાઓ બાળકો તેમજ ગ્રામજણો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આ બેદરકારીના કારણે આજે એક નિર્દોષ બાળકીનો જીવ ગયો હોવાનો આક્ષેપ પણ ગ્રામજણોએ કર્યો છે.આ ઘટનાને પગલે ગ્રામજનોએ લીઝની તાત્કાલિક માપણી કરવામાં આવે, સહીત અન્ય કામગીરીની તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર લીઝ માલિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *