ઝાલોદ નગરમાં ડમ્પીંગ યાર્ડના કચરા સળગાવવાના મુદ્દે ભારે આક્રોશ, મોડી રાત્રે નગરજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા

દાહોદ: ઝાલોદ નગર વિસ્તારમાં આવેલા ડમ્પીંગ યાર્ડમાં રાત્રિના સમયે કચરો સળગાવવામાં આવતા સમગ્ર નગરમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. નગરની અનેક સોસાયટીઓના રહીશો મોડી રાત્રે ઘરમાંથી બહાર નીકળીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. કચરો સળગાવવાના કારણે ઉઠેલા ધુમાડાના ગોટેગોટા સીધા લોકોના ઘરમાં પ્રવેશતા શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.સ્થિતિ વધુ બગડતી જોતા ઝાલોદ નગરની વિવિધ સોસાયટીઓના રહીશો મોડી રાત્રે ઝાલોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને નગરપાલિકા ચીફ ઓફિસર સામે લેખિત અરજી આપી હતી. નગરજનો દ્વારા અગાઉ પણ અનેક વખત નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો કાયમી ઉકેલ ન આવતા અંતે લોકો પોલીસ સ્ટેશન સુધી પહોંચવા મજબૂર બન્યા હતા. રાત્રિના સમયે અચાનક વધેલા આક્રોશને કારણે પોલીસ પણ સક્રિય બની હતી.લોકોના ભારે વિરોધ અને આક્રોશને ધ્યાનમાં લઈને નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ડમ્પીંગ યાર્ડમાં લાગેલી આગને ઓલવવામાં આવી હતી. આગ ઓલવાયા બાદ થોડો શાંત માહોલ સર્જાયો હતો, પરંતુ નગરજનોમાં હજુ પણ નારાજગી યથાવત રહી હતી.આ સમગ્ર ઘટનાએ ઝાલોદ નગરમાં નગરપાલિકાની કામગીરી અને આરોગ્ય સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *