બોડેલી તાલુકા સેવા સદન ખાતે જાતિ દાખલા મેળવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. સવારથી શરૂ થતી આ લાંબી કતારોમાં વિદ્યાર્થીઓને રાહ જોવી પડે છે જેના કારણે તેમનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે. આ ઘટના સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને અકાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઉભા કરે છે. શું વિદ્યાર્થીઓનું ભવિષ્ય આવી અસુવિધાઓના ભોગે બગડવું જોઈએ?બોડેલી તાલુકાના સેવા સદન ખાતે જન સેવા કેન્દ્ર એક એવું સ્થળ છે જ્યાં નાગરિકો આધાર કાર્ડ, રાશન કાર્ડ, અને જાતિ દાખલા જેવી મહત્વની સેવાઓ મેળવવા આવે છે. શાળાઓમાં જાતિ દાખલાની ફરજિયાત આવશ્યકતાને કારણે વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ આ કચેરીએ આવવા મજબૂર છે. જેના કારણે લાંબી લાઈનો લાગે છે જેમાં વિદ્યાર્થીઓએ શાળા છોડીને કલાકો સુધી રાહ જોવી પડે છે. એક સ્થાનિક વાલીએ નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું, “મારો દીકરાનો અભ્યાસ ચાલે છે અને તેને જાતિ દાખલા માટે શાળા છોડીને અહીં લાઈનમાં ઊભો રહેવું પડે છે. કદાચ એક દિવસમાં દાખલો ન મળે તો બીજા દિવસે પણ આવવું પડે છે. આનાથી તેના અભ્યાસ પર ખરાબ અસર થાય છે.”જાતિ દાખલો એ શાળાઓમાં શિષ્યવૃત્તિ, પ્રવેશ, અને અન્ય શૈક્ષણિક લાભો માટે જરૂરી દસ્તાવેજ છે. પરંતુ, આ દાખલો મેળવવા માટે વિદ્યાર્થીઓએ શાળા છોડીને સેવા સદનમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે જેના કારણે તેમનો અભ્યાસ ખોરવાય છે.
બોડેલી સેવા સદનમાં જાતિ દાખલા માટે લાંબી કતાર
