
અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં લાંબા સમયથી ચાલી આવતી ગટર ઉભરાવાની સમસ્યાએ સ્થાનિક નાગરિકોનું જનજીવન હાલાકીભર્યું બનાવ્યું છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં ગટરનું ગંદું પાણી રસ્તાઓ પર અને લોકોના ઘરોમાં ઘૂસી જતાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. આ મુદ્દે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માગ કરી છે. સાથે જ, જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો જન આંદોલનની ચીમકી પણ આપી છે.વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટરની લાઈનો જૂની અને અપૂરતી હોવાને કારણે ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર થાય છે. વરસાદ દરમિયાન આ સમસ્યા વધુ વિકટ બની જાય છે, જેના કારણે ગંદું પાણી રસ્તાઓ પર ફરી વળે છે અને ઘણી વખત લોકોના ઘરોમાં પણ પ્રવેશી જાય છે. આનાથી માત્ર ગંદકી અને દુર્ગંધનો પ્રશ્ન જ નથી, પરંતુ ચેપી રોગો ફેલાવાનું જોખમ પણ વધ્યું છે.

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે તેઓએ આ મુદ્દે વારંવાર સ્થાનિક સત્તાધીશોને રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સ્થાયી ઉકેલ નથી મળ્યો.વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે આ ગંભીર સમસ્યા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં લોકોની વેદના અને આક્રોશ વ્યક્ત કર્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, “વિરમગામના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. આના કારણે ઐતિહાસિક વિરમગામ શહેરને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો મારી પાસે આશા રાખે છે, અને હું તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છું.” પટેલે પત્રમાં ગટરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, જો આ મુદ્દે ઝડપથી ઉકેલ નહીં આવે તો તેઓ જનપ્રતિનિધિ તરીકે લોકોના હિત માટે ખુલ્લેઆમ મેદાને પડશે અને જરૂર પડશે તો આંદોલનનો માર્ગ અપનાવશે.
