ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વની તૈયારીઓ છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી નગરમાં જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આગામી 9 ઓગસ્ટ, 2025ના શનિવારે અને નારિયેળી પૂનમના દિવસે આવતા આ તહેવારને લઈને બજારો રાખડીઓના રંગબેરંગી સ્ટોલથી સજી ઉઠ્યા છે. બોડેલીના વેપારીઓએ આધુનિક ફેશન અને પરંપરાના સમન્વય સાથેની રાખડીઓ ગોઠવીને પોતાની દુકાનોને આકર્ષક બનાવી છે, જે ગ્રાહકોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.બોડેલીના બજારોમાં 5 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે, જેમાં પરંપરાગત ડિઝાઈનથી લઈને આધુનિક ફેશનને અનુરૂપ રાખડીઓનો સમાવેશ થાય છે. સાદી દોરીવાળી રાખડીઓથી લઈને ઝરી, મોતી, પથ્થરો અને ડિઝાઈનર રાખડીઓ સુધીની વિવિધતા ગ્રાહકોને ખેંચી રહી છે.

સ્થાનિક વેપારીઓ યાસીન મેમણ અને સ્વપ્નેશ કનૈયાલાલ શેઠએ જણાવ્યું કે, “આ વર્ષે ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને અમે નવી ડિઝાઈનની રાખડીઓ લાવ્યા છીએ. દરેક બજેટને અનુરૂપ રાખડીઓ અમારી દુકાનોમાં ઉપલબ્ધ છે, જેના કારણે દરેક વર્ગના ગ્રાહકો અમારી પાસે આવે છે.”હાલ નગરના બજારોમાં ગ્રાહકી નથી જો કે શનિ – રવિ ની રજાઓમાં ઘરાકી નીકળે તેવી વેપારીઓમાં આશા છે જ્યારે અનાજ કરિયાણા ના વેપારીઓ, ગારમેન્ટના વેપારીઓ સહિત ફરસાણના વેપારીઓએ પણ રક્ષાબંધન પર્વને અનુરૂપ મીઠાઈઓ , ફરસાણ સહિતના સર સામાન ભરી દીધો છે બોડેલી નગર, જે છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે તે સિઝનલ વ્યવસાયનું મુખ્ય કેન્દ્ર છે. અહીંના ડઝનબંધ વેપારીઓ ઉત્સવોના આધારે પોતાનો ધંધો ગોઠવે છે.ઉત્તરાયણમાં પતંગ અને દોર, દિવાળીમાં ફટાકડા અને દીવા, અને રક્ષાબંધનમાં રાખડીઓનો વેપાર તેઓની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. રક્ષાબંધનની સીઝનમાં વેપારીઓએ પોતાની દુકાનોને આકર્ષક ડેકોરેશનથી સજાવી છે, જે ગ્રાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.
Owner And Editor – Salman Memon
Janshe Gujarat Weekly News Paper & Digital