હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કિફાયતનગર વિસ્તારમાં એક બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના મામલે પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. ગ્રામ્ય પોલીસે ગુપ્ત બાતમીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી લઈ, રૂ. 1.32 લાખના ચોરાયેલા મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ કરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર જગાવી છે.આશરે એક અઠવાડિયા પહેલાં કિફાયતનગરમાં કેનાલ નજીક આવેલા મૈયુદ્દીન દિવાનના બંધ મકાનમાં અજાણ્યા શખ્સો દ્વારા ઘરફોડ ચોરીની ઘટના બની હતી. ચોરોએ મકાનના પાછળના ભાગેથી પ્રવેશ કરી, ગેસની સગડી, ઇલેક્ટ્રિક ચૂલો, હોમ થિયેટર, ઘડિયાળ તથા તાંબા અને પિત્તળનાં વાસણો સહિત રૂ. 12,500ની કિંમતનો સામાન ચોરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં મૈયુદ્દીન દિવાને તાત્કાલિક હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ગ્રામ્ય પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગુરુવારે પોલીસને ગુપ્ત બાતમી મળી કે ત્રણ શખ્સો રિક્ષામાં ચોરાયેલો સામાન લઈ આરટીઓ વિસ્તાર તરફ વેચવા જઈ રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે આરટીઓ નજીક વોચ ગોઠવી અને રિક્ષા (નંબર: GJ-27-TB-4642) ને રોકી. રિક્ષામાંથી પ્લાસ્ટિકના કોથળા અને કાપડના પોટલામાં શંકાસ્પદ સામાન મળી આવ્યો.પોલીસે રિક્ષામાં સવાર ત્રણેય શખ્સોની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ મોહમદ સિરાજ મોહમદહુસૈન ફકીર, સમદમીયા ઉર્ફે લાલા મુસ્તુફામીયા બાબુમીયા શેખ અને આમીન શબ્બીરભાઇ મેમણ હોવાનું જણાવ્યું. સઘન પૂછપરછ દરમિયાન ત્રણેયએ કિફાયતનગરમાં ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી. પોલીસે તેમની ધરપકડ કરી અને રિક્ષા સહિત અંદાજે રૂ. 1.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
હિંમતનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ગ્રામ્ય પોલીસે ત્રણ આરોપીઓને રૂ. 1.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા
