વિરમગામની દુર્દશા પર રાજકીય ઘમાસાણ, હાર્દિક પટેલના પત્ર બાદ તંત્રની કાર્યવાહી, વરુણ પટેલનો આક્ષેપ

Spread the love

ગુજરાતના વિરમગામ શહેરની દુર્દશા અને નગરપાલિકાના કથળેલા વહીવટને લઈને રાજકીય ગરમાગરમી ચરમસીમાએ પહોંચી છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા એક પત્રમાં શહેરની ઉભરાતી ગટરો અને ઘરોમાં ગંદા પાણીના પ્રવેશની સમસ્યા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ પત્ર બાદ વિરમગામ નગરપાલિકાના એકાઉન્ટ અને સેનિટરી ઇન્સ્પેક્ટરની બદલીની કાર્યવાહી હાથ ધરાઈ, પરંતુ આ મુદ્દે ભાજપના જ નેતા વરુણ પટેલે હાર્દિક પટેલ અને નગરપાલિકાના વહીવટ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં શહેરની ગંભીર સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, શહેરમાં ઉભરાતી ગટરો અને ઘરોમાં ગંદા પાણીના પ્રવેશને કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિકે પત્રમાં લખ્યું, “જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો મારે એક જનપ્રતિનિધિ તરીકે પ્રજાની તકલીફો સાથે ખુલ્લેઆમ ઊભા રહેવું પડશે. જરૂર પડે તો ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે.” આ પત્ર બાદ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતાં નગરપાલિકાના એકાઉન્ટ અને સેનિટરી ઇન્સ્પેક્ટરની બદલીનો આદેશ જારી કર્યો.જોકે, આ કાર્યવાહી બાદ ભાજપના જ નેતા વરુણ પટેલે હાર્દિક પટેલ અને નગરપાલિકાના વહીવટ પર સવાલો ઉભા કર્યા છે. વરુણ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને આક્ષેપ લગાવ્યો કે, “વિરમગામ માટે સરકારે 45 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી, પરંતુ આ રકમનો ઉપયોગ ક્યાં થયો? શહેરની આ ઐતિહાસિક દુર્દશા માટે જવાબદાર કોણ છે?” તેમણે વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો કે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને વિકાસના કામોથી દૂર રાખવામાં આવે છે અને ચીફ ઓફિસરની બદલી રોકવા માટે કોણ જવાબદાર છે.વરુણ પટેલે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને ટેગ કરીને એક વીડિયો પણ શેર કર્યો, જેમાં વિરમગામના કથળેલા રસ્તાઓ અને ગટરોની દયનીય સ્થિતિ દર્શાવવામાં આવી હતી. તેમણે લખ્યું, “વિરમગામની પ્રજા આ નકામા વહીવટને માફ નહીં કરે. 45 કરોડ રૂપિયા ખર્ચાયા બાદ પણ આ દુર્દશા માટે જવાબદાર કોણ? ભ્રષ્ટાચારના ભાગીદારોને બચાવનાર કોણ? આ બધી બાબતોની તપાસ થવી જોઈએ.”વરુણ પટેલે નગરપાલિકાના કોર્પોરેટરોને વિકાસના કામોથી દૂર રાખવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે, “જ્યારે કોર્પોરેટરોએ ચીફ ઓફિસર વિરુદ્ધ રજૂઆત કરી, ત્યારે ભ્રષ્ટાચારના ભાગીદારોને બચાવવા માટે કોણે સૂચના આપી?” તેમણે આગળ લખ્યું, “આ બધું મલાઈ ખાવાની ચાલ છે. જ્યારે બકરું ભરાઈ ગયું, ત્યારે હવે સિંહને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *