પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના, ACBએ SITની રચના કરી, ચાર સસ્પેન્ડેડ અધિકારીઓ સામે તપાસનો ધમધમાટ શરુ

Spread the love

પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજના સ્પેન તૂટી પડવાની દુઃખદ ઘટનાને લઈ એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આ ટીમ રોડ એન્ડ બિલ્ડિંગ (R&B) વિભાગના ચાર સસ્પેન્ડેડ અધિકારીઓ અને એક નિવૃત્ત અધિકારી સામે અપ્રમાણસર મિલકત અને સત્તાના દુરુપયોગના આરોપોની તપાસ કરશે. આ ઘટનામાં રાહદારીઓના મોત થયા હોવાની ગંભીર બાબતને ધ્યાને લઈ, ગાંધીનગરથી મળેલા આદેશ બાદ આ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.ગત 9 જુલાઈ, 2025ના રોજ સવારે લગભગ 7:30 વાગ્યે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજનો એક સ્પેન અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં રાહદારીઓના મોત થયા હતા, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ અને આઘાતનો માહોલ સર્જાયો હતો. આ બ્રિજની જર્જરિત હાલત અંગે સ્થાનિક રહીશો અને પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના જવાબદાર અધિકારીઓએ આ મુદ્દે કોઈ નક્કર પગલાં લીધા ન હતા. આ બેદરકારી અને ગંભીર નિષ્ફળતાને પગલે ઉચ્ચ સ્તરે તપાસના આદેશ આપવામાં આવ્યા.ગાંધીનગરથી મળેલા આદેશને પગલે, ACBએ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ માટે એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ ટીમમાં નીચેના છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે:મકરંદ ચૌહાણ – સંયુક્ત નિયામક, ACB (અધ્યક્ષ)પી.એચ. ભેસાણિયા – નાયબ નિયામક, ACB, વડોદરાએ.એન. પ્રજાપતિ – પોલીસ ઈન્સ્પેક્ટર (PI), ACB, વડોદરાઆર.બી. પ્રજાપતિ – રીડર, PI, ACBએ.જે. ચૌહાણ – પોલીસ ઈન્સ્પેક્ટર, ગ્રામ્ય ACB, વડોદરાએમ.જે. શિંદે – પોલીસ ઈન્સ્પેક્ટર, ACB, ભરૂચઆ ટીમને ચાર સસ્પેન્ડેડ અધિકારીઓ અને એક નિવૃત્ત અધિકારીની અપ્રમાણસર મિલકત, નાણાકીય ગેરરીતિઓ અને સત્તાના દુરુપયોગના આરોપોની ઊંડાણપૂર્વક તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.આ દુર્ઘટનાને લઈ ACBએ તાત્કાલિક પગલાં લેતાં, વડોદરાના જેલ રોડ વિસ્તારમાં નર્મદા ભવન ખાતે આવેલી ACB ઓફિસમાં SITની પ્રથમ બેઠક યોજાઈ. આ બેઠકનું નેતૃત્વ નાયબ નિયામક પી.એચ. ભેસાણિયાએ કર્યું હતું. બેઠકમાં તપાસની રણનીતિ અને પ્લાન ઓફ એક્શનની વિગતવાર ચર્ચા કરવામાં આવી. SIT દ્વારા R&B વિભાગના અધિકારીઓની બેદરકારી, નાણાકીય ગેરરીતિઓ અને બ્રિજના નિર્માણ તેમજ જાળવણીમાં થયેલી ગેરરીતિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *